ભરતસિંહ વાઢેર,વલસાડઃ વલસાડ જિલ્લાના (valsad) ઉમરગામ તાલુકાના કરમબેલા ગામમાં (karambela village) નજીવી બાબતે ભાઈએ પોતાના જ પિતરાઈ (cousine murder) ભાઈની ચપ્પુ અને છરી જેવા તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા (Brother murder) કરી દેવાની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ જાણ થતા ભીલાડ પોલીસ (bhilad police) સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરંબેલા ગામના પરેટી ફળિયામાં રહેતા દિલીપભાઈ ચંદુભાઈ ધોડી પોતાના ઘરેથી નીકળી અને ગામના આદિવાસી કોલોની ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે તેમના પાડોશમાં રહેતા અને સંબંધમાં કૌટુંબિક ભાઇ થતાં એવાં રાજુભાઈ ધોડીએ અચાનક જ તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો.
અને દિલીપ ધોડીને તેના જ પિતરાઈ ભાઈએ ગળા અને મોઢાના ભાગે ઉપરા છાપરી ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આથી ગંભીર હાલતમાં દિલીપ ધોડીને તાત્કાલીક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજયું હતું.
આમ નજીવી બાબતે પિતરાઈ ભાઈએ જ પોતાના ભાઇનું ઢીમ ઢાળી દેવાની ઘટનાની જાણ થતા જ ભીલાડ પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે આરોપી રાજુ ધોડી એકલવાયું જીવન જીવતો હતો અને મૃતકના ઘરની નજીક જ રહેતો હતો.
અને સંબંધે મૃતકનો પિતરાઈ ભાઈ થતો હતો. જોકે એકલવાયુ જીવન જીવતા આ શનકી સ્વભાવનો આરોપી રાજુ ધોડી અવારનવાર આસપાસના રહેતા લોકો સાથે ઝઘડો કરતો હતો.. આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં રસ્તામાં કચરો ફેંકવા જેવી નજીવી જૂની અદાવતને લઈ આરોપીએ પોતાના પિતરાઈ ભાઈ ની કરપીણ હત્યા કરી ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.