ભરતસિંહ વાઢેર, વલસાડ તૌકતે વાવાઝોડાની (Cyclone Tauktae) આગાહી ને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લાના અંદાજે 70 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારના લોકો અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. જેને કારણે વલસાડ જિલ્લાના દરિયાકિનારા પર અત્યારે 700 થી વધુ બોટો લંગારી દેવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા મોટા ભાગના માછીમારો પરત ફરી ગયા છે. જોકે હજુ પણ કેટલીક બોટ દરિયાની અંદર છે આથી તેઓને પણ કિનારા તરફ લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
આમ વલસાડ જિલ્લામાં વાવાઝોડા ની આગાહી ને પગલે વલસાડ જિલ્લાના માછીમારો પણ સતર્ક થઇ ગયા છે અને પોતાની બોટ ને સલામતીના ભાગરૂપે કિનારા પર લંગારી દેવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના અંદાજે 70 કિલોમીટર ના દરિયા કિનારા વિસ્તારમાં દરિયા કિનારાને અડીને આવેલા 28 ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આવા ગામમાંથી જરૂર જણાય તો સ્થળાંતર કરવાની પણ તૈયારી કરી લીધી છે, સાથે જ જિલ્લાના દરિયા કિનાર થી ત્રણ કિલોમીટર ના ઘેરાવામાં આવતા વલસાડ જિલ્લાના વલસાડ , પારડી , વાપી અને ઉંમરગામ તાલુકાના અંદાજે 84 ગામોના લોકોને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં વાવાઝોડાની કારણે ઊભી થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આથી જિલ્લાની મોટાભાગની બોટો દરિયા કિનારે આવી ગઈ છે. અને સલામત સ્થળે લંગારી દેવામાં આવી છે જેને કારણે કિનારે બોટ ના ખડકલા જોવા મળી રહ્યા છે, પરંતુ જો વલસાડના દરિયાકિનારે વાવાઝોડાની વધુ અસર થાય તો માછીમારોની બોટને પણ મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
સંભવિત જોખમ અંગે માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે ન્યૂઝ 18ને જણાવ્યું કે 'અમારી 16 જેટલી બોટ હજુ પણ દરિયામાં છે જો તૌકતે ટકારશે તો અમને લાખોમાં નહીં કરોડોમાં નુકશાની જશે, હાલમાં જે કાંઠે નદીની ઉપર બોટ આવી ગઈ છે એ સલામત છે પરંતુ નીચેની બોટને પણ નુકસાન જવાની ઘણી વકી છે. આમ 50 ટકા તૈયારી છે જ્યારે 50 ટકા ખતરો મંડરાયેલો છે.'