વિભુ પટેલ, અમદાવાદ: અરબી સમુદ્રમાં (Arabian sea) તૌક્તે વાવાઝોડું (Tauktae Cyclone) વધુ મજબુત બની ગુજરાતના (Gujarat) દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વેરાવળથી 700 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના માર્ગમાં પરિવર્તન થયું છે. વાવાઝોડું સક્રિય થયું ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચેથી પસાર થવાનું હતું. પરંતુ વાવઝોડાનો માર્ગ બદલાઇને પોરબંદર-મહુવા વચ્ચેથી પસાર થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. 18મેના વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી શકયતા છે.
વાવઝોડાના કારણે કેરળ,કર્ણાટક,ગોવા, ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાં વરસાદ થશે. કચ્છ અને દિવના વિસ્તારમાં ભારે વરસાદની અગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, પોરબંદરના વિસ્તારમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવઝોડાના કારણે દરિયામાં મોજાની તીવ્રતા વધશે. દરિયા કિનારે કરંટ જોવા મળશે. દરિયાના મોજા 1થી 2 મીટર ઉંચા ઉછળશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વાવાઝોડને લઈ સરકાર સજ્જ થઇ છે. વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારના વિસ્તારમાં કામગીરી શરૂ કરી દીધી છે. વાવઝોડું નજીક પહોંચે અને લોકોને સ્થળાંતર કરવા પડે તો ડેટા તૈયાર કરી લીધો છે. તેમજ ભારત સરકારે ફાળવેલી NDRFની 24 ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ 6 ટીમ કાર્યરત કરી દેવાઇ છે. ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.
દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત આવવા ફીશરીઝ વિભાગ અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં અગરીયાઓ અને સાગરખેડુઓને દરિયામાંથી જમીન-લેન્ડ પર લઈ લેવા દરિયાકાંઠાના જિલ્લાઓનું વહીવટીતંત્ર કાર્યરત થયું છે.
ભારે પવન અને વાવાઝોડાની અસરના કારણે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણાં, કાચ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે તે રીતે વિન્ડ પ્રૂફિંગ કરવાની સૂચના આપી છે. ઊંચી ઇમારતોના થઈ રહેલા બાંધકામ તેમજ ભયજનક હોડિંગ્સ ભારે પવનને કારણે પડી ન જાય તે માટે સૌરાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલીટીના ઇજનેરોને ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે તમામ પ્રકારે સરકાર અને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે