ગરમીની મોસમમાં વાળ સૌથી વધુ ડેમેજ થતા હોય છે. સૂર્યના તેજ કિરણો, વધુ પરસેવો, વારંવાર વાળ ધોવા અને ટાઇટ હેર આ તમામને પગલે તમારા વાળ નબળા પડી જતા હોય છે. ઉનાળામાં ખોડો, તૈલી વાળ, વાળ ખરવા, જૂ-લીખ, દ્વિમુખી વાળ વગેરે તકલીફો ઊભી થાય છે. આ ઋતુમાં વાળની વિશેષ કાળજી રાખી શકાય એ માટેની કેટલીક ટિપ્સ અહીં આપી છે તે અજમાવીને જુઓ.
વાળ ઘણાં ચીકણાં અને તૈલી લાગે છે તો, વાળ ધોતી વખતે શેમ્પૂમાં લીંબુ કે આમળાનો રસ અથવા વિનેગારનાં ચાર-પાંચ ટીપાં મેળવીને વાળ ધોવાથી વાળની ચીકાશ અને ખોડો દૂર થાય છે. અને વાળમાં ચમક પણ આવશે.
પાતળા અને ખરતા વાળ માટે જાસૂદનાં થોડાં ફૂલ વાટીને તેમાં ચાર- પાંચ ટીપા ગુલાબનું તેલ અને થોડું મધ ભેળવીને વાળના મૂળમાં લગાડવું. આ પેક નિયમિત લગાડવાથી વાળ તૂટતા નથી. આ ઉપરાંત તમે તાજું દહીં વાળમાં લગાડવું અને અડધા કલાક બાદ વાળ સારી રીતે ધોઈ નાખવા. આમ કરવાથી ખોડો દૂર થાય છે અને વાળમાં ચમક આવે છે.
જો વાળ ઘણાં જ ડ્રાય થઇ ગયા છે તો વાળને હંમેશા હૂંફાળા પાણીથી જ ધોવા. ગરમ પાણી સ્કેલ્પમાંથી પ્રાકૃતિક તેલ દૂર કરે છે અને વધુ પડતા ગરમ પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પને નુકસાન થાય છે. તડકામાં નીકળતી વખતે વાળને સ્કાર્ફથી બાંધી દેવા અથવા છત્રીનો ઉપયોગ કરવો.
વાળને ડ્રાયરથી સુકવવાના બદલે ખૂલી હવામાં સૂકવો. વધુ સમય સુધી ટોવેલ બાંધીને ન રાખશો. શેમ્પુ કર્યાના 1 કલાક પહેલા વાળમાં નારિયેળ તેલથી માલિશ કરો. તેનાથી બ્લડ સર્કુલેશન સારું રહેશે અને વાળ ઓછા ખરશે.
હંમેશા ડાયટ સારું રાખો. તમે જે ખાવ છો તે તમારા વાળને પોષણ આપે છે. તે સિવાય દૂધીનો રસ વાળ માટે હેલ્ધી હોવાથી અડધો કલાક વાળમાં લગાવી રાખી નોર્મલ પાણીથી ધોવાથી ફાયદો થશે.