દિનેશ સોલંકી, ગીરસોમનાથ : અરબી સમુદ્રમાં વાવાઝોડું tauktae સક્રિય અને વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.18મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ પોર્ટ પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જોકે, પોરબંદર અને મહુવાની વચ્ચે સંભવિત ત્રાટકનાર વાવાઝોડાની સૌથી માઠી અસર ગીરસોમનાથ જિલ્લાને થશે
આ સંભાવનાઓને પગલે ગીરસોમનાથ જિલ્લા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીંયા જિલ્લાના 3 શહેરો અને 24 ગામડાઓ હાઇએલર્ટ પર છે. જ્યારે ગીરસોમનાથના આશરે 12,500 કરતાં વધુ કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે. જોકે, કોરોના કાળમાં આ સ્થળાંતર સહેલું નથી.
ગીરસોમનાથના કાંઠા વિસ્તારોમાં એક બાજુ કાળમુખો કોરોના અને બીજી બાજુ વાવાઝોડું એટલે તંત્રએ પહેલાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યુ છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમાંથી પોઝિટિવ આવશે તેમને આઇસોલેટ કરવાની ફરજ પાડવામાં આવશે.
દરમિયાન જે લોકો નેગેટિવ હશે તેમને શાળા અથવા કૉમ્યુનિટી હૉલમાં સલામત સ્થળે ખસેડાશે. જોકે, મોટા ભાગના ગામડાંઓમાં શાળા આવી આફતમાં શેલ્ટર હોમ તરપીકે કામ કરે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે શાળાઓમાં સ્થળાંર શક્ય નથી ત્યારે જિલ્લા તંત્ર અન્ય વ્યવસ્થા કરશે.
ગીરસોમનાથના જિલ્લા કલેક્ટરે ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે વાવાઝોડાની સંભાવનાઓને જોતા તંત્રએ પૂરતી તૈયારી કરી છે. અમને સરકાર તરફથી 8000 એન્ટિજન ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે જ્યારે 10,000 કીટની અલગ વ્યવસ્થા થઈ છે. આમ 12,500 વ્યક્તિના પહેલાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ આ તમામ લોકોને સલામત સ્થળાંતર કરી દેવામાં આવશે.