કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાના બનાવો સામે આવતા હોય છે અને ખાસ કરીને ખાડી પૂરનું સંકટ દર વર્ષે તોળાતું હોય છે. જેને લઈને ખાડી નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને લિંબાયત પર્વત, પાટિયા પર્વત ગામ અને પુણા વિસ્તારમાં ખાડી પૂર દરમિયાન આસપાસના મકાનોમાં દૂષિત પાણી ભરાઇ જવાની ઘટના બનતી હોય છે. જેને પરિણામે ખાડીની આસપાસના વસાહતોમાં 4થી 6 ફૂટ જેટલા પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટી પાસે આવેલા ખાડી ઉપર બનાવેલા બ્રિજને તોડી નાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી મનપાના અધિકારીઓને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા છે અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો.
ચોમાસા દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, જેને લઈને લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પૂણા વિસ્તારમાં બ્રિજના કારણે ખાડી પૂર આવવાની દહેશતને લીધે બ્રિજ તોડવાનો નિર્ણય કરાતા લોકોમાં રોષે ફેલાયો હતો. જેને લઈને સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા માધવબાગ સોસાયટીની આગળ ખાડી પરનો બ્રિજ તોડવાનો નિર્ણય કરાતાં સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. પુણાગામ વિસ્તારમાં ખાડી ઓળંગવા માટે આ એકમાત્ર બ્રિજ હોવાથી તેમણે બ્રિજ તોડવાની લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ કોર્પોરેશનની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પુણા વિસ્તારમાં મહિલાઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ખાડી પરના બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ તૂટી જાય તો તેમને અવરજવરમાં ભારે મુશ્કેલી થઇ શકે તેવી શક્યતા છે. ચોમાસા દરમિયાન જ્યારે તેમના સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે સોસાયટીમાં બહાર નીકળવા માટે બે રસ્તાઓ જરૂરી છે. આ બ્રિજના કારણે રેસ્ક્યુ ઓપરેશન પર ખૂબ જ ઝડપથી થઇ શકે છે અને તે ભૂતકાળમાં પણ આ બ્રિજના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી શક્યા છે તેથી કોઈપણ સંજોગોમાં બ્રિજ નહીં તોડવા દેવાની સ્થાનિકો ચીમકી આપી રહ્યા છે.
ચોમાસામાં લિંબાયત મીઠી ખાડી ત્રણથી ચાર વાર માત્ર દોઢ માસના સમય દરમિયાન ઉભરાતી હોય છે. આ સમસ્યાના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વખત આવતા કોર્પોરેશનના અધિકારીઓએ ડી-વોટરિંગ પંપો મૂકવા માટેનું આયોજન કર્યું છે. જેથી કરીને ખાડીમાં ઉભરાયેલા પાણી વસાહતોમાં ન પ્રવેશી શકે. અધિકારીઓએ છેલ્લા ત્રણ ચાર વખતની ચોમાસા દરમિયાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શહેરમાં ખાડી પુરનું સંકટ આવ્યું હતું. જેને લઈને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.સાથે જ લોકોને પણ ભારે હાલાકી પડી હતી જેના પગલે આ વર્ષે આ પ્રકારની સ્થિતિ ફરીથી ન સર્જાર તે માટે સુરત મહાનગરપાલિકા સક્રિય થઇ છે.