ભરતસિંહ વાઢેર, વાપી : ઔદ્યોગિક નગરી વાપીમાં એક દંપતીએ પોતાની 28મી લગ્નની વર્ષગાંઠને યાદગાર બનાવવા એક અનોખી પહેલ શરૂ કરી છે. ભવલેશ કોટડીયા અને કવીતા કોટડીયા નામના આ દંપતીની આજે 28મી લગ્ન વર્ષગાંઠ છે. આથી આજના દિવસને યાદગાર બનાવવા આજથી આ યુગલે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી છે.
મહત્વપૂર્ણ છે કે કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપ અને વાવાઝોડા વખતે અસંખ્ય વૃક્ષો પડી જવાના બનાવો બાદ લોકોને ઓક્સિજન અને વૃક્ષોની મહત્વતા સમજાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તે હેતુથી આ યુગલે આ વખતે પોતાની લગ્નગાંઠના દિવસે કોઇ પાર્ટી કે અન્ય કોઈ ખોટા ખર્ચા કરવાના બદલે તે નાણાંનો સદુપયોગ કરી વૃક્ષારોપણમાં વાપરવાનું નક્કી કર્યું છે.
આ સિવાય આવનાર સમયમાં પણ તેમના પરિવારના તમામ શુભ પ્રસંગો વખતે તેઓ કોઈ અન્ય ખોટા ખર્ચા કરવાને બદલે વૃક્ષારોપણ કરી અને પ્રસંગને યાદગાર બનાવવાનું નક્કી કર્યું છે. આ બંને કોટડીયા દંપતીએ સજી ધજીને પોતાના ઘર અને વ્યવસાયના સ્થળની આસપાસના વિસ્તારમાં સૌથી વધુ ઓક્સિજન આપતા લીમડો અને પીપળો સહિતના મોટા વૃક્ષો રોપવાના શરૂ કર્યા છે. સાથે જ આ વૃક્ષોનું જતનની પણ તેઓએ જવાબદારી લીધી છે.
મહત્વપૂર્ણ છે કે પરિવારમાં લગ્ન પ્રસંગ કે લગ્ન તિથિની ઉજવણી વખતે પાર્ટી અને અન્ય ખોટા ખર્ચાઓ થતા હોય છે. ત્યારે આવા ખર્ચાઓને બદલે પર્યાવરણના જતન અને ધરતીને હરિયાળી બનાવવા માટે કોટડીયા દંપતીએ શરૂ કરેલી આ નવી પહેલથી અન્ય લોકો પણ તેમાંથી પ્રેરણા લે તો આવનાર સમયમા વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને સાથે જ પર્યાવરણના જતનમાં પણ ઉપયોગી પુરવાર થશે. તેવો સંદેશો આ દંપતી લોકોને આપી રહ્યું છે.