દિનેશ સોલંકી, ગીર સોમનાથ : કેસર કેરી માટે ગીર સોમનાથ જિલ્લો ગઢ ગણાય છે. ગીરમાં હજારો હેકટર જમીનમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ આ કેસર કેરી પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિગના કારણે કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી. ચાલુ વર્ષે પણ ઝાકળ, મધિયો અને અનેક પ્રકારની જીવાતોને કારણે 60 ટકાથી વધુ પાક નિષ્ફળ ગયો હતો. બાકી બચેલા પાકને લઈ ખેડૂતોને હતું કે આ સિઝનમાં ભાવ થોડા સારા છે તો વર્ષના રોટલાનું થઈ જશે પરંતુ ટાઉતે વાવાઝોડાએ કેસર પકવતા ખેડૂતોની સામાન્ય આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે.
ગીર વિસ્તારમાં જેટલા પણ આંબાઓમાં કેસર બચી હતી તે પૈકી 90 ટકા જેટલી ખરી પડી છે. આથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ ખરેલી કેરીનો કોઈ લેવાલ નથી. જેને લઈ ગીરનાં તાલાળા, ઉના, કોડીનાર અને ગીરગઢડાનાં કેસર પકવતા ખેડૂતો રાતાપાણીએ રોઈ રહ્યા છે. ખેડૂતોના મતે આ કુદરતી આફત સામે કોઈનું ન ચાલે સરકાર માત્ર નુકસાનની વળતરને લઈ વાતો કરે. આ નુકસાનની વળતર કોઈથી ભરપાઈ થઈ શકે તેમ નથી.
ટાઉતે વાવાઝોડાને કારણે ગીર વિસ્તારનાં આંબા વાડીઓમાં અને બગીચાઓમાં ભારે તબાહી મચી છે. જે ખેડૂતોએ પોતાના સંતાનોની માફક ઉછેરીને મોટા કર્યા હતા. તેવા 20-20 વર્ષનાં આંબાઓને ટાઉતે વાવાઝોડાએ જમીનદોસ્ત કારી દીધા છે. સંખ્યા બંધ આંબાઓ પડી ચૂક્યા છે. આ દ્રશ્યો જોઈ ખેડૂતો માથે હાથ મૂકીને રડી રહ્યા છે.
આંબાના બગીચાઓમાં વર્ષે માત્ર એક જ વાર ફાલ આવે છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર વાવાઝોડું ફરી વળ્યું છે. આંબાઓ પર રહી સહી કેસર પણ 90 ટકા ખરી ગઈ છે. આ ખરેલી કેરીઓ કોઈપણ ભાવે ખરીદવા કોઈ લેવાલ નથી. તાલાળા મેંગો માર્કેટના અધિકારીઓ પણ આ બાબતે ચિંતિત છે. મેંગો માર્કેટના સેક્રેટરીનું કહેવું છે કે કેસર ખરી છે જરૂર પરંતુ હજુ બગડે તેમ નથી જો યોગ્ય માવજત રાખવામાં આવે તો હજુ પણ આ કેસર પાકી ગયા બાદ સ્વાદમાં અનેરી જ રહેશે.