એકતરફ કોરોના સંકટ (coronavirus pandemic) સામે રાજ્ય (Gujarat) લડી રહ્યું છે ત્યારે એક તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) નામનું નવું સંકટ સામે આવીને ઉભું રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ ચક્રવાત 17મીએ સાંજે ગુજરાતનાં દરિયા કિનારે (Gujarat sea coast) પહોંચશે. રવિવારે 12 વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ દક્ષિણ પૂર્વ વેરાવળથી 660 કિલોમીટર દૂર હતું. તે સતત ગુજરાતનાં દરિયાકિનારાની નજીક આવી રહ્યું છે. 18 તારીખે સવારે આ વાવાઝોડુ પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. જેની સૌથી વધારે અસર જૂનાગઢ, અમરેલી, વેરાવળ, દીવમાં થશે. આ વાવાઝોડું 150થી 160 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના કારણે 17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણના ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 19મી તારીખે ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. જેના કારણે મુખ્યમંત્રી વિજય રુપાણીએ (CM Vijay Rupani) જણાવ્યું છે કે, વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં 17 અને 18 તારીખે બે દિવસ કોરોના રસીકરણ (Corona vaccination) બંધ રહેશે.
હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, ગુજરાતનાં દરિયાકાંઠા પર આ વાવાઝોડાની અસર વધારે રહેશે. ભાવનગર, પોરબંદર, દીવ, સોમનાથ, જૂનાગઢમાં આ વાવાઝોડાની અસર વ્યાપક પ્રમાણમાં રહેશે. 17 અને 18 તારીખે ભારેથી અતિશય ભારે વરસાદની આગાહી છે તેવા વિસ્તારો છે, ગીર સોમનાથ, દીવ, અમરેલી છે. આ ઉપરાંત સાઉથ ગુજરાતનાં વિસ્તારો જેવાકે, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, આણંદમાં પણ ભારે વરસાદ રહેશે. 18 અને 19 તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે.
હાલ આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. કર્ણાટકમાં ચાર તથા કેરળમાં બે લોકોના વાવાઝોડાના કારણે નિધન થયા છે. કર્ણાટક રાજ્ય ઈમર્જન્સી ઑથોરિટીના જણાવ્યા મુજબ, વાવાઝોડાની અસરના કારણે 24 કલાકમાં 6 જિલ્લામાં 3 કાંઠાના જિલ્લા અને 3 અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. અત્યારસુધીમાં ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે અત્યારસુધી 73 લોકો પ્રભાવિત થયા છે.
તારીખ 17 અને 18 મે બે દિવસ સૌરાષ્ટ્ર માટે આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા પછી વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા NDRFની ટીમોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, વાવાઝોડાની સંભવિત અસરોને લઇ સ્થાનિક સ્તરથી લઇ કાંઠાના 14 જિલ્લામાં ચાલી રહેલી તૈયારીઓની શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સંભવિત સ્થિતિનો મુકાબલો કરવા તંત્ર સજ્જ છે. કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ તમામ જિલ્લા કલેક્ટરો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ વિવિધ સરકારી તંત્રને ‘ઝીરો કેઝ્યુઅલ્ટિ’ના કોન્સેપ્ટ સાથે તમામ તૈયારી કરવા સૂચના આપી હતી.