દિનેશ સોલંકી, ગીર સોમનાથ: તૌક્તે વાવાઝોડાને લઈ ગીર પંથકના ખેડૂતોમાં દહેશત છવાઇ ગઇ છે. અડદ, મગ, મગફળી તલ અને કેરી સહિતના પાકોને યુદ્ધના ધોરણે લણવાની શરૂઆત કરી છે.
સોમનાથમાં જ્યાં તૌક્તે વાવાઝોડાંને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોને ભય છે કે, વરસાદ આવશે અને ભારે પવન ફૂંકાશે તો તમામ મહેનત પર પાણી ફરી વળશે. છેલ્લા ત્રણ 4 મહિનાથી જે પાકો હજારો રૂપિયા ખર્ચીને તૈયાર કર્યા તે નાશ પામશે. જેના કારણે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે મગ, અડદ, મગફળી અને તલના પાક લણવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાને કારણે હાલ ખેડૂતો માટે વધુ એક સમસ્યા જોવા મળી રહી છે. પાક લણવા માટે મજૂરની જરૂર છે. પરંતુ કોરોનાના કારણે મજૂર મળતા નથી અને એક સાથે તમામ ખેડૂતોને મજૂરની જરૂર હોવાને લઇ મોટી મુશ્કેલી સર્જાય છે.
ખેડૂત, ધીરુભાઈ મોરાસિયાનાં જણાવ્યા પ્રમાણે, ગીરમાં અંદાજે 16,000 હેકટરમાં કેરીનું વાવેતર છે. શરૂઆતમાં જ ઝાકળ અને મધિયાના રોગના કારણે કેરીનો પાક ખરી પડ્યો હતો. પરંતુ હવે વાવાઝોડુ આવે તો જે પાક બચયો તે પણ નાશ પામવાની ભીતિને લઈ એક સાથે બધા ખેડૂતો કેરીના પાકને લણવાની શરૂઆત કરી દીધી છે.
ખેડૂતોનું કહેવું છે કે, વરસાદ અને વાવાઝોડું આવે તો કંઈજ હાથમાં નહિ આવે. થોડી ઘણી કેરી હાથમાં આવે એ માટે યુદ્ધનાં ધોરણે કેરી લણવાની શરૂઆત કરી દીધી છે. સામાન્ય રીતે જેમ કેરી પાક ઉપર આવે તે રીતે કેરીના પાકને લણવામાં આવતો હોય છે. પરંતુ વાવાઝોડાંની આગાહી ને લઈ તમામ ખેડૂતો એક સાથે કેરી ઉતરતા નજરે પડી રહ્યા છે.