અમદાવાદ : કોરોનાની મહામારીમાં લોકો હેરાન થઇ રહ્યા છે. હોસ્પિટલમાં જવા માટે એમ્બ્યુલન્સ સમયસર મળતી નથી. સામાન્ય લોકો પાસે પોતાના વાહન નથી તેવા લોકો માટે મુશ્કેલી સર્જાય છે. ત્યારે લોકોને વાહન મળી રહે તે માટે પનાહ ફાઉન્ડેશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન આગળ આવ્યું છે. હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં દર્દીઓને મદદ મળી રહે તે માટે રિક્ષા દોડાવશે. જેમાં અમદાવાદના લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબર 7600660760 છે. તેના પર કોલ કરીને મદદ મેળવી શકાશે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં લોકોને એમ્બ્યુલન્સ મળી રહી નથી. ત્યારે પનાહ ફાઉન્ડેશન અને અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન દ્વારા લોકોને મદદ કરવામાં આવે છે. દર્દીઓએ રિપોર્ટ કરવા જવાનું હોય, દવા લેવા જવાનું છે કે પછી હોસ્પિટલમાં એડમિટ થવાનું છે તો અમદાવાદ રિક્ષા ચાલક યુનિયનના રીક્ષા ચાલક મદદ કરશે અને દર્દીઓને ભાડું પણ ચુકવવાનું નથી. દર્દીઓને લઈ જવાનું ભાડું પનાહ ફાઉન્ડેશન દ્વારા ચૂકવવામાં આવશે.
અમદાવાદ : ઇમરજન્સી મદદ માટે રિક્ષાનો હેલ્પલાઇન નંબર જાહેર, કોરોના દર્દીઓનું ભાડું પણ નહીં લે
અમદાવાદ રિક્ષા ચાલક યુનિયનના રિક્ષા ચાલક પીપીઇ કિટમાં સજ્જ હશે અને હેલ્પલાઇન નંબર 7600660760 પર કોલ કરતાની સાથે જે તે વિસ્તારમાં દર્દીના ઘરે પહોંચી જશે. કોરોનાની મહામારીમાં સામાજિક સંસ્થાઓ લોકોની મદદ આવી રહી છે. જેનાથી જેટલી મદદ થાય તે કરી રહ્યા છે ત્યારે પનાહ ફાઉન્ડેશન અને અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન પણ મદદ કરવા આગળ આવ્યું છે.