અમદાવાદ : રાજ્યભરના વાતાવરણમાં રાત્રે અચાનક પલટો આવ્યો હતો. રાત્રે સુસવાટા મારતો પવન સાથે વાવાઝોડનું ફૂંકાયું હતું. અમદાવાદ પણ રાતના સમયે અચાનક જ ભારે પવન ફુંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ હતી. શહેરના ગોતા, નવા વાડજ ,રાણીપ, પાલડી બોડકદેવ, બોપલ-ઘુમા, શેલા, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, સરખેજ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો.
બીજી તરફ અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોવિંદપુર, કુબડામા ધોધમાર વરસાદ વરસતા ગામના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સુખપુર ગામની સ્થાનિક નદીમાં પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારીના સુખપુરમાં કરાનો વરસાદ. ગામમાં જાણે બરફવર્ષા થઈ તેવો માહોલ જોવા મળ્યો હતો. એક કલાક સુધી વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. અચાનક જ કરાનો વરસાદ ખાબકતા લોકો સ્તબ્ધ થયા છે. વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
બરવાળા તાલુકાના ખમીદાણા ગામે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અવે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગઢડા પંથકમાં ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કડાકા, ભડાકા અને વિજળીના ઝબકારા વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદથી ખેતીમાં નુકશાન થવાની સંભાવના છે.
સુરેન્દ્રનગરના પાટડીમાં જોરદાર વરસાદી ઝાપટા બાદ લાઇટો ડુલ થતાં લોકો અકળાયા હતા. પાટણના શંખેશ્વર તાલુકામાં પણ વાવાઝોડુ આવ્યું હતું. શંખેશ્વરના પંચાસર સહિત આજુબાજુના વિસ્તારોમાં રાત્રે ધુળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો.